પ્રસંગની વિગત

શિક્ષણ સમારોહ-2023 અને કોમ્યુનિટી હોલનું ઉદ્ઘાટન

વિંઝાણમાં હિંગોરા સમાજવાડીનું ઉદ્ઘાટન ડો. જહાંગીરશાહ બાપુના હસ્તે કરાયું
કાર્યક્રમમાં જિલ્લાના સમસ્ત હિંગોરા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માન પત્ર અર્પણ કરાયા

આજ રોજ અખિલ કચ્છ હિંગોરા સમાજ સંચાલિત હિંગોરા એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા અબડાસા તાલુકાના વિંઝાણ ગામ ખાતે હિંગોરા સમાજવાડીનું ઉદ્ઘાટન મુફ્તી-એ-આઝમ કચ્છ અહેમદશાહ બાવાના ખાનદાનના વડીલ અલ્લામા અલહાજ ડો. જહાંગીરશાહ બાપુના વરદહસ્તે કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆત કુરઆન શરીફની તિલાવતથી મૌલાના અબ્દુલ ખાલક ખીરસરા દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ જિલ્લાના સમસ્ત હિંગોરા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને સૈયદ હાજી સુલતાનશાહ બાપુ, સૈયદ હાજી અમીનશાહ બાપુ, સૈયદ સલીમશાહ બાપુ, સૈયદ બશીરશાહ બાપુ, સૈયદ ઈબ્રાહિમશાહ બાપુ, સૈયદ તન્વીરશાહ બાપુ અને પીરઝાદા નુરશા બાવાના હસ્તે ઈનામ અને સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

સમાજવાડીના બાંધકામ માટે દાન આપનાર દાતાઓ તથા સમાજવાડીનો સંકુલ ઉભો કરનારા તમામ કર્મયોગીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સૈયદ અલ્લામા અલહાજ ડો. જહાંગીરશાહ બાપુ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું અને દુઆએ ખૈર ફરમાવવામાં આવી હતી.

કાર્યક્રમ બાદ સામાન્ય સભા યોજાઈ હતી જેમાં વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી. સમિતિના ત્રણ-ત્રણ વર્ષની બે ટર્મ પૂર્ણ થતા ત્રીજી ટર્મ માટે ફરીથી હાજીયુનુસભાઈ સાંધવવાલાને પ્રમુખ તરીકે અને ખાલેદભાઈ ખીરસરાવાલાને મહામંત્રી તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી હતી.

તે ઉપરાંત પાંચમા સમૂહલગ્ન માટે ફોર્મ સ્વીકારવાની તારીખ ૧ ડિસેમ્બરથી ૧૦ જાન્યુઆરી સુધી જાહેર કરવામાં આવી હતી અને સમૂહલગ્ન તા. ૧૧-૦૨ના રોજ યોજાશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.

વક્તાઓએ જણાવ્યું હતું કે માત્ર છ વર્ષના ટૂંકા ગાળામાં સમિતિએ શિક્ષણ, આરોગ્ય, સમૂહલગ્ન અને જરૂરતમંદ પરિવારોને રાશન કીટ જેવી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. અબડાસા તાલુકાના મુસ્લિમ સમાજોમાં હિંગોરા સમાજ એવો પ્રથમ સમાજ છે જેણે આવનારી પેઢી માટે આવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના ખજાનચી હુસૈન સાહેબ અરજણપર દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે વ્યવસ્થાની જવાબદારી હાજી યાકુબ હિંગોરા (ધનાવાડા), અલીમામદ હિંગોરા (વિંઝાણ), ઈલિયાસ હિંગોરા (ખીરસરા), મુસ્તાક મૌલાના (ગઢવાળા), જુસબ હિંગોરા (નાનાવાડા) સહિતની ટીમે સંભાળી હતી.

ઇવેન્ટની તારીખ અને સ્થાન

21 Nov 2023, Tue at વિંઝાણ , અબડાસા, કચ્છ

ઇવેન્ટ ગેલેરી