શિક્ષણ સમારોહ-2025
સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ સન્માન સમારોહ – કાર્યક્રમ અહેવાલ
હિંગોરા એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન માટે વિશેષ સમારોહનું આયોજન તા. 16/08/2025 ના રોજ હિંગોરા સમાજવાડી, વીંઝાણ ખાતે કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત પવિત્ર તિલાવત-એ-કુરઆન મજીદથી કરવામાં આવી હતી. ત્યારબાદ હાજી હુસેનભાઈ હિંગોરા દ્વારા ઉપસ્થિત મહેમાનો, વડીલો અને સમાજજનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓના ભવિષ્ય નિર્માણ અને કારકિર્દી વિકાસને ધ્યાનમાં રાખી ભોજાય શાળાના આચાર્ય શ્રી ઈકબાલભાઈ સાટી દ્વારા કારકિર્દી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ અબડાસા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી અબ્દુલસતારભાઈ મારા દ્વારા શિક્ષણના મહત્વ અને વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ વિવિધ તકો અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પોલીસ વિભાગમાં એ.એસ.આઈ. તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયેલા હાજી ઓસમાણભાઈ હિંગોરાનું શાલ ઓઢાડી અને સન્માનપત્ર અર્પણ કરી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
સમારોહ દરમિયાન ધોરણ 9 થી ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, વિવિધ ક્ષેત્રોમાં ડિગ્રી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ, દીની શિક્ષણ ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓ તેમજ દારુલ ઉલૂમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું મહેમાનો અને ટ્રસ્ટ સમિતિના સભ્યોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
પ્રાસંગિક ઉદ્બોધન દરમિયાન સમાજના પ્રમુખ શ્રી યુનુસભાઈ હિંગોરા દ્વારા શિક્ષણ, એકતા અને સમાજ વિકાસ વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને રહેલા બશીરશાહ બાવાસાહેબ દ્વારા શિક્ષણના મહત્વ અને યુવા પેઢીની જવાબદારી અંગે પ્રેરણાદાયી વિચારો રજૂ કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમના અંતે અબ્દુલહમીદશાહ બાવાસાહેબ દ્વારા દુઆ-એ-ખૈર કરવામાં આવી હતી.
આ સન્માન સમારોહમાં વિદ્યાર્થીઓ, વાલીઓ, વડીલો, સમાજના આગેવાનો તેમજ ટ્રસ્ટના સભ્યોએ ઉત્સાહભેર હાજરી આપી હતી.
કાર્યક્રમનું સફળ સંચાલન સહમંત્રી મુસ્તાક મૌલાના દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે કાર્યક્રમની સમગ્ર વ્યવસ્થા ઉપપ્રમુખ અલીમામદ હિંગોરા, ખજાનચી ઈલિયાસ હિંગોરા તથા ટ્રસ્ટ સમિતિના સભ્યો દ્વારા સંભાળવામાં આવી હતી.
હિંગોરા એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ વધારવા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે સતત કાર્યરત છે. આ પ્રકારના સન્માન સમારોહો વિદ્યાર્થીઓને વધુ ઉત્તમ સિદ્ધિઓ હાંસલ કરવા માટે પ્રેરણા પૂરું પાડે છે.
ઇવેન્ટની તારીખ અને સ્થાન
16 Aug 2025, Sat at હિંગોરા સમાજવાડી, વિંઝાણ, અબડાસા, કચ્છ