પ્રમુખ સંદેશ

જુણસ હિંગોરા (સાંધવ)

પ્રમુખ
અસ્લામો અલ્યકુમ

વતન પ્રેમ, વફાદારી અને નિડરતાની ગુણો ઘરાવતો આપણો સમાજ કચ્છમાં આશરે ચારસો વર્ષથી વસે છે. રાજાશાહી પછી અખંડ ભારતના ભાગલા સમયે ૧૯૪૭ માં પસંદગીથી (બાય ચોઈસ ) માતૃભૂમિ કચ્છમાં જ રહેવાનું પસંદ કર્યું. અબડાસા તાલુકાના વિંઝાણની આજુબાજુના ગામડાઓ જેવા કે વિંઝાણ, ખીરસરા (વિ), નાનાવાડા, ધનાવાડા, ગઢવાડા, સાંઘવ વગેરે ગામોમાં મોટાભાગની વસ્તી છે. હમુરાઇવાંઢ (શીરુવાંઢ ની બાજુમાં) અને વરનોલી (મોટી સિંધોડીની બાજુમાં) પણ વસ્તી હતી. (હમુરાઇવાંઢ અને વરનોલીમાં હાલે વસ્તી નથી) સમયાંતરે ધંધા-રોજગાર અર્થે ચરોપડી નાની, કોઠારા, શીરુવાંઢ , મંજલ, રાયધણજર, તેરા વગેરે ગામોમાં પણ અમુક કુટુંબો રહે છે. નખત્રાણા તાલુકાના કોટડા (રોહા), ભુજ તાલુકાના સેડાતા તથા માંડવી તાલુકાના પુનડીમાં હિંગોરા સમાજની વસ્તી છે. હાલમાં ધંધા, રોજગાર, વ્યવસાય અર્થે ભુજ, મુંદ્રા, માંડવી, ગાંધીધામ, ભચાઉ, નખત્રાણા તથા મુંબઇ જેવા શહેરોમાં પણ વસે છે.

મુફતી-એ-કચ્છ સૈયદ હાજી અહમદશા બાવાસાહેબની દુઆઓથી સમાજમાં દીનનો વ્યાપ વધ્યો અને સામાજિક પ્રગતિ થઈ. મુફતી સાહેબની મહેનત અને આદેશથી તેમજ વડીલોના પ્રયાસોથી સમાજમાં અમુક કુરિવાજો હતા તે બંઘ થયા. સમાજના વડીલોએ અનેક વખત આજુબાજુના ગામોમાં જયારે પણ કોઈ નાના વ્યકિત સાથે અન્યાય થાય ત્યારે નિડરતાથી સહકાર આપી સામાજિક મતભેદોનું સમાધાન કરાવેલ. કચ્છની સામાજિક, શૈક્ષણિક સંસ્થાઓના વિકાસમાં પણ વડીલોની મુખ્ય ભૂમિકા રહેલ છે. રાજકીય ક્ષેત્રે પણ આપણા આગેવાનો અબડાસા તાલુકામાં રાષ્ટ્રીય પક્ષની પાર્ટીના પ્રમુખ પદે તથા તાલુકા પંચાયતના સદસ્ય પદે રહ્યા છે અને જયાં-જયાં સમાજની વસ્તી છે ત્યાં સરપંચ પદે રહ્યા છે.

ભૂતકાળમાં શિક્ષણની અપુરતી સગવડોના કારણે અમુક પરિવારોને બાદ કરતા મોટા ભાગનો સમાજ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી શકયો ન હતો. પરંતુ હાલમાં છેલ્લા પચ્ચીસેક વર્ષથી શિક્ષણનો વ્યાપ વધ્યો છે. જેથી મેડિકલ, શિક્ષણ, વાણિજય, આઇ.ટી., એન્જિનીયરીંગ તેમજ ન્યાયક્ષેત્રે ડિગ્રીઓ હાંસલ કરેલ છે. સરકારી વિભાગોમાં મેડિકલ, શિક્ષણ, બેન્કીંગ, સ્થાનિક પોલીસ, રાષ્ટ્રીય સુરક્ષા દળો વગેરેમાં પ્રતિષ્ઠિત પદો પર સેવા આપી રહ્યા છે તેમજ સરકારશ્રીના વિવિધ વિભાગોમાં પણ સર્વિસ આપી રહ્યા છે. ન્યાયક્ષેત્રે ધારાશાસ્ત્રીઓ પણ છે. કોર્પોરેટ કંપનીઓમાં સિનિયર મેનેજરો, ઓફિસરો, એન્જિનીયર જેવા મુખ્ય પદો પર કાર્યરત છે. દીની તાલીમમાં ફાઝીલ, આલીમ, કારી જેવી સનદો મેળવી અને દીનની, ખિદમત કરી રહ્યા છે. સમાજનો મુખ્ય ધંધો ખેતી તેમજ પશુપાલન છે. જેમાં પ્રગતિ થઇ છે. ઔદ્યોગિકક્ષેત્રે તેમજ વેપારક્ષેત્રે પણ સારી પ્રગતિ જોવા મળે છે.

હિંગોરા સમાજ સંચાલિત હિંગોરા એજયુકેશન એન્ડ વેલ્ફર ટ્રસ્ટના માધ્યમથી છેલ્લા ત્રણ વર્ષમાં સમાજના તમામ લોકોના સહયોગથી સમિતિની ખુબ મહેતનથી સારી એવી કામગીરી થયેલ છે. જે બિરદાવવા લાયક છે. આશા રાખું છું કે, આગામી વર્ષોમાં સમાજને વધુમાં વધુ ફાયદો થાય અને લોકોને સેવાકીય પ્રવૃત્તિઓનો લાભ મળી શકે એવા નેક કાર્યો કરવાની અલ્લાહ તઆલા તૌફિક આપે... આમીન.